top of page
parijat.jpg

પારિજાત

*પારિજાત*

પારિજાત વૃક્ષને ખૂબ સુંદર અને સુગંધિત ફૂલો લાગે છે. પારિજાત નું વૃક્ષ દસ થી પંદર ફુટ ઊંચું  હોય છે. હિંદુ ધર્મ માં આ વૃક્ષ નું અને એનાં ફૂલો નું ખાસ સ્થાન છે. 

 

એક માન્યતા અનુસાર, પારિજાત વૃક્ષ ની ઉત્પત્તિ સમુદ્ર મંથન થી થઇ હતી, જેને ઇન્દ્ર એ પોતાની વાટિકા માં રાખ્યું હતું. એક વાર નારદ મુનિ આ વૃક્ષનાં થોડાં ફૂલ ઇન્દ્ર લોકથી લઈને કૃષ્ણ પાસે આવ્યા. કૃષ્ણ ભગવાને એ ફૂલ પોતાની પત્ની રુક્મણી ને આપ્યા. એ જાણી ને સત્યભામા ને ક્રોધ આવ્યો અને એમણે કૃષ્ણ પાસે એ વૃક્ષ ની માંગ કરી.

 

કહેવાય છે કે શ્રી કૃષ્ણ આ દિવ્ય વૃક્ષ ને સ્વર્ગ થી ધરતી પર લાવ્યા હતાં અને ત્યારે દેવરાજ ઇન્દ્ર એ આ વૃક્ષને શ્રાપ આપ્યો કે આ વૃક્ષના ફૂલ દિવસે નહીં ખીલે. અને આ વૃક્ષનાં ફૂલ રાતે જ ખીલે છે.  આ વૃક્ષ ને Indian Night Jasmine પણ કહેવાય છે. 

 

પારિજાત નાં ફૂલ આયુર્વેદમાં શક્તિવર્ધક અને પાન કૃમિનાશક ઔષધિ તરીકે ૫ણ ઉપયોગ માં આવે છે.

 

*દરેક વૃક્ષ છે ખાસ.*

( પારિજાત -Night Flowering Jasmine - ભાગ ૧)

*પારિજાત*

આજે આપણે એવાં ફૂલ વિશે વાત કરવી છે કે જે રાત્રીનાં સમયે ખીલી ઉઠે અને સવાર થતાં ખરી પડે. રાત્રે જ્યારે આ ફૂલો ખીલેલાં હોય ત્યારે જો પવનની એકાદ હળવી લહેર આવે તો આસપાસનું વાતાવરણ ફૂલોની સુગંધથી મહેકી ઉઠે. જોકે રાતરાણી ફૂલનાં લક્ષણો પણ આને મળતાં આવે છે, આજે આપણે પારિજાત વિશે વાત કરવી છે.

 

આ ફૂલ સુંદર કેસરી દાંડી ઉપર સફેદ રંગની પાંચથી આંઠ પાંદડીથી બનેલું હોય છે. તે શ્રાવણ અને ભાદરવામાં થાય છે.

 

આ ફૂલો ભગવાનને પ્રિય માનવામાં આવે છે. આ વૃક્ષને હિન્દીમાં हरसिंगार એટલે કે હરિનો શણગાર એવાં નામે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે ખરી પડેલાં ફૂલો ભગવાનની પૂજામાં ઉપયોગમાં લેવામાં નથી આવતાં પણ આ ફૂલો અપવાદરૂપ મનાય છે.     

 

આ વૃક્ષની બીજી વિશેષતા એની ડાળી હોય છે. સામાન્ય રીતે મોટા ભાગનાં વૃક્ષની ડાળી ગોળાકાર હોય છે પણ આ વૃક્ષની ડાળીનો આકાર ગોળ કરતાં ચોરસને વધુ મળતો આવે છે.

 

આ ફૂલ પશ્ચિમ બંગાળનું રાજ્ય ફૂલ છે. 

 

*દરેક વૃક્ષ છે ખાસ*

(પારિજાત - Night Flowering Jasmine - ભાગ ૨)

bottom of page