top of page
kesudo.jpg

ખાખરો

*ખાખરો*

તમને યાદ છે પત્રાવલી? પત્રાવલી એટલે પાંદડાંની થાળી. એને પતરાળું કે પત્તલ પણ કહે છે. આજથી આશરે ૧૫-૨૦ વર્ષ પહેલાં લગ્ન કે અન્ય પ્રસંગે જમણવારમાં એનો ઉપયોગ થતો હતો.

 

ખાખરાનાં પાંદડાંને સળીથી જોડીને પત્રાવલી બનાવી શકાય છે. ખાખરાનાં પાન ખાતર તરીકે ઘણાં સારાં છે. એટલે, આવી પત્રાવલી વપરાશ પછી પણ સારું કામ કરી જાય છે.

 

પ્લાસ્ટિકની યુઝ એન્ડ થ્રો ડીશોને બદલે એનો ઉપયોગ કરવામાં આવે તો ગામડાંનાં લોકોને રોજગારી પણ મળી રહે અને પર્યાવરણને પણ નુકસાન ના થાય.

 

ખાખરાના વૃક્ષ જે  FLAME OF FOREST તરીકે પણ ઓળખાય છે એ પવિત્ર વૃક્ષોમાનુ એક છે અને તેને  TREASURE OF GODS  પણ કહેવાય છે.

*દરેક વૃક્ષ છે ખાસ*

( ખાખરો- Flame of the Forest - ભાગ ૧ )

*ખાખરો*

ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,

જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,

મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા,

કેસૂડો કામણગારો જી લોલ

- સુન્દરમ્

વસંત ઋતુ ચાલી રહી છે. આ ઋતુમાં ખાખરો (કેસૂડાનું વૃક્ષ) કેસૂડાનાં સુંદર મઝાનાં કેસરી રંગનાં ફૂલોથી લચી પડ્યો હોય છે. સોળે કળાએ ખીલી ઊઠેલા કેસૂડાનાં વૃક્ષને આ ઋતુમાં નિહાળવાને પ્રકૃતિપ્રેમીઓ એક લહાવો ગણે છે. 

આ ઋતુમાં કેસૂડાનાં ફૂલોનો રંગ ચૂસવા સક્કરખોરો પણ પોતાનાં સાથીઓ સાથે આવી ચડ્યો હોય છે. સક્કરખોરો (Purple Sunbird) એ સુંદર, નાજુક અને ચકલી કરતાં પણ સહેજ નાનું પંખી છે. આ પંખી વિવિધ ફૂલોનો મધ (સાકર) ચૂસીને નભતું હોવાથી એને સક્કરખોરો કહે છે.

*દરેક વૃક્ષ છે ખાસ*

(ખાખરો - Flame of the Forest - ભાગ-૨)

*ખાખરો*

આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને

            અંબોડે કેસૂડો લાલ;

રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ

        સાંવરિયા રમવાને ચાલ!

 -સુરેશ દલાલ

ધૂળેટીનો તહેવાર નજીક આવે એટલે છાપામાં કેસૂડાનો ઉલ્લેખ થયેલો જોવા મળતો હોય છે. કેસૂડાનાં થોડાં ફૂલોને થોડો સમય પાણીમાં પલાળી રાખી, એ ફૂલોને નીચોવી નાખવામાં આવે તો પાણી સરસ રંગીન બની જાય છે. ઘણાં લોકો આ પાણીથી ધૂળેટી રમ્યાં પણ હશે. કેસૂડાનાં પાણીથી સ્નાન કરવાથી ચામડીનાં રોગોમાં રાહત થતી હોવાનું કહેવાય છે.

કેસૂડાનાં વૃક્ષની બીજી ખાસિયત એ છે કે બરાબર વિકસિત વૃક્ષનાં પાંદડાંની નીચેની સપાટી ખૂબ રેશમી હોય છે. એનાં પર હાથ ફેરવો તો લાગે કે જાણે તમે કોઈ રેશમી મુલાયમ કાપડ પર હાથ ફેરવી રહ્યાં છો.

આવાં સરસ મઝાનાં કેસૂડાનાં વૃક્ષો પ્રમાણમાં ઓછાં છે. તમે જ વિચારો કે તમારાં નજીકમાં કેટલાં કેસૂડાનાં વૃક્ષો છે? આપણી આવનારી પેઢી પણ કેસૂડાનાં ફૂલોનો ઉપયોગ કરીને ધૂળેટીનો તહેવાર માણી શકે એ માટે આપણે પણ એકાદ વૃક્ષ વાવીએ તો કેવું?

*દરેક વૃક્ષ છે ખાસ*

(ખાખરો - Flame of the Forest ભાગ-3)

*ખાખરો*

ઉપરોક્ત ફોટો જુઓ. હોળી ધૂળેટી પર્વ નિમિતે ઘણાં મંદિરોમાં ભગવાનનાં વાઘા કેસૂડાનાં ફૂલોથી બનાવવામાં આવતા હોય છે. આ ઉપરાંત, ઘણાં મંદિરોમાં રંગોત્સવ પણ ઉજવવામાં આવતો હોય છે જેમાં કેસૂડાના ફૂલોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કેસૂડાનાં ફૂલોથી બનેલ રંગીન પાણી આડઅસર રહિત એકદમ કુદરતી હોય છે.

 

કેસૂડાનાં ફૂલોને પાણીમાં ઉકાળીને એ પાણીથી બાળકોને સ્નાન પણ કરાવવામાં આવે છે.

 

ફાગણ મહિનામાં આ વૃક્ષ પર પુષ્કળ પ્રમાણમાં કેસરી ફૂલો આવતાં હોય છે. એ સમયે આ વૃક્ષ ખૂબ ધ્યાન આકર્ષક હોય અને દૂરથી સહેલાઈથી ઓળખાઈ જાય.

આપણે પણ આપણી નજીકમાં કોઈ અનુકૂળ જગ્યાએ કેસૂડાનું એકાદ વૃક્ષ ઉછેરીએ તો આવનારા સમયમાં આપણી આસપાસનાં બાળકો એનાં ફૂલોથી ધૂળેટીનો તહેવાર માણી શકે.

*દરેક વૃક્ષ છે ખાસ*

(ખાખરો - Flame of the Forest ભાગ-)

bottom of page