![](https://static.wixstatic.com/media/ca2a5a_ad8bf5896ecf408cbb14f1e1075997a7.jpg/v1/fill/w_1920,h_1605,al_c,q_90,usm_0.66_1.00_0.01,enc_avif,quality_auto/ca2a5a_ad8bf5896ecf408cbb14f1e1075997a7.jpg)
![talfadi.jpg](https://static.wixstatic.com/media/6c5eb4_b0d73f746aee46fcbf073d53718cf2ec~mv2.jpg/v1/fill/w_200,h_200,al_c,q_80,usm_0.66_1.00_0.01,enc_avif,quality_auto/talfadi.jpg)
તાડફળી
*તાડફળી*
ભગવાનની રચના પણ કેવી સરસ હોય છે! ઉનાળામાં જેટલાં ફળો આવતાં હોય છે એમાં એક વિશેષ ગુણ ગરમી સામે શરીરને રક્ષણ આપવાનો હોય છે. તરબૂચ, સક્કરટેટી, કેરી વગેરે. આવું જ એક ફળ એટલે તાડફળી. ઘણાં લોકો તેને ગલેલી પણ કહેતાં હોય છે.
તાડફળીને અંગ્રેજીમાં Ice Apple કહે છે. ઉનાળામાં મળતું આ ફળ શરીરને કુદરતી ઠંડક આપે છે, તરસ છિપાવે છે અને પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે.
આ ફળ ઉનાળામાં *ફકત એક મહિના* માટે જ જોવા મળે છે.
આપણે જે તાડફળી વેચાતી લાવીએ છીએ એ રીંગણ રંગના નારિયેળ જેવાં દેખાતાં નાના તાડફળમાંથી મળે છે. આ ફળને તાડગોળા કહે છે. આ કાઢવાનું કામ પણ થોડી મહેનત અને આવડત માગી લે છે. એક ફળમાંથી ત્રણ તાડફળી નીકળે છે. આપણને એને છોલીને ખાવામાં ભલે થોડી મહેનત લાગે પણ એક વાર સારી રીતે છોલીને એનો નારિયેળ પાણી થી પણ થોડો મીઠો સ્વાદ માણીએ ત્યારે જાણે કે અમૃતનો અનુભવ થતો હોય એમ લાગે.
એક સમયે ગુજરાતમાં તાડફળીનો વેપાર ધમધમતો હતો. પણ અત્યારે એ ઓછાં પ્રમાણમાં જોવા મળે છે. એટલે શક્ય છે કે ઘણાં નાનાં બાળકોએ કદાચ એનો સ્વાદ ના માણ્યો હોય. જો તમારી આસપાસ આ ફળ ઉપલબ્ધ હોય તો એનો આનંદ જરૂર માણજો.
આશા રાખીએ કે ગુજરાતમાં તાડફળીનો વેપાર ફરી ધમધમે, ઘણાં લોકોને રોજગારી મળી રહે અને આપણે સૌ ભગવાનનાં આવા સરસ ગુણકારી ફળનો આનંદ માણી શકીએ.
*દરેક વૃક્ષ છે ખાસ*
(તાડફળી - Ice Apple - ભાગ ૧)