top of page
aardushi.jpg

અરડૂસી

 *અરડૂસી*

અરડૂસી એ ઘર આંગણે વાવી શકાય એવી ઔષધિય વનસ્પતિ છે. તેનાં ગુણગાન તમે ક્યારેક વડીલોનાં મુખે સાંભળ્યા હશે. અરડૂસીને આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક કહેવાય છે કારણ કે તેમાં રહેલ કડવો અને તૂરો રસ શરીરમાં રહેલ કફને બહાર કાઢવામાં ખૂબ સહાયરૂપ થાય છે.

 

અરડૂસીનાં તાજાં પાન અને ફૂલોનો રસ કાઢી મધમાં આપવાથી ઉધરસ, શ્વાસ, દમ, ક્ષય વગેરે રોગોમાં ખૂબ રાહત થતી હોવાનું મનાય છે.

 

અરડૂસીનું એક નામ સિંહપર્ણ (સિંહપર્ણી) પણ છે કારણ કે કફથી થતાં અનેક રોગોરૂપી મૃગોને હાંકી કાઢવા માટે એનું પાંદડું (પર્ણ) પણ સિંહ જેવું કામ કરે છે.

 

*દરેક વૃક્ષ છે ખાસ*

(અરડૂસી - Vasaka - ભાગ ૧)

 *અરડૂસી*

ભાગ ૧ માં આપણે જોયું કે અરડૂસી એ કફથી થતાં અનેક રોગોમાં લાભદાયી થઈ શકે છે. આજે થોડી અન્ય માહિતી જોઈએ.

 

અરડૂસીનો છોડ આશરે ૫ થી ૬ ફૂટ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે. એની ડાળી જમીનમાં લગાવવાથી પણ એનો છોડ તૈયાર થઈ જાય છે. અને એને બહુ માવજતની પણ જરૂર નથી હોતી.

 

એનાં ફૂલ સફેદ અને નાગફેણ આકારનાં હોય છે. એનાં ફૂલોનો આકાર સિંહનાં મુખને પણ મળતો આવતો હોવાથી એને *સિંહાસ્ય* (સિંહનું મોઢું) પણ કહે છે.

 

આયુર્વેદ જગતમાં જેનું નામ માનભેર લેવાય છે એ *ભાવપ્રકાશ નિઘંટુ* ગ્રંથ પ્રમાણે અરડૂસી એ સ્વરને હિતકારી અને અવાજ સુધારવામાં મદદ કરતી હોવાથી અને કફ તથા શ્વાસ આદિ રોગો મટાડવા માટે વૈદ્યો જેને ઈચ્છતાં હોય છે તેવી હોવાથી એનું એક નામ *વાશિકા* પણ છે. 

 

આવો ઉપયોગી છોડ આપણાં આસપાસમાં આપણે ઉછેરીએ તો કેવું?

 

*દરેક વૃક્ષ છે ખાસ*

(અરડૂસી - Vasaka - ભાગ ૨)

bottom of page