

ઉંબરો
*ઉંબરો*
વડ કુળનું આ વૃક્ષ ૧૦ થી ૧૫ મીટર જેટલી ઊંચાઇ પ્રાપ્ત કરી શકે છે. એને ઉમરડો, ઉમરો કે ગૂલર પણ કહે છે.
પુરાણોમાં તેનું વિશેષ મહત્ત્વ છે, તેને કલિયુગનું કલ્પવૃક્ષ કહેવાય છે અને તેના નીચે ગુરુ દત્તાત્રેય ભગવાનનું નિવાસ સ્થાન હોવાનું માનવામાં આવે છે. સંસ્કૃતમાં એને *ઔદુમ્બર* કહે છે. એટલે, અમુક મંદિરોમાં આ વૃક્ષને તે નામથી પણ ઓળખવામાં આવે છે.
અંજીર જેવા દેખાતાં એના ફળ (ટેટા) કાચા હોય ત્યારે ચળકતાં લીલા રંગના અને પાકે ત્યારે રતુંબડા રંગના હોય છે. આ વૃક્ષની એક વિશેષતા એ છે કે એનાં ફળ એનાં થડ અને મુખ્ય ડાળીઓ પર ઊગે છે. એનાં ફળ ઝુમખામાં આવતાં હોવાથી આ વૃક્ષ અંગ્રેજીમાં Cluster Fig નામે ઓળખાય છે.
વર્ષમાં ઘણી વખત એને ફળ આવે છે પણ ઉનાળાની શરૂઆત અને ચોમાસાં દરમિયાન વધુ ફળ આવે છે. આ ફળ ઘણાં બધાં *પંખીઓને પ્રિય* હોય છે. એટલે, આ ફળ માટે ઘણાં પક્ષીઓ આ વૃક્ષ પર આવતાં હોય છે.
વિવિધ પંખીઓને ફળ અને આપણને છાંયડો, શુદ્ધ હવા અને ઔષધિ મળી રહે એ માટે આપણે પણ એક વૃક્ષ ઉછેરીએ તો કેવું?
*દરેક વૃક્ષ છે ખાસ*
(ઉંબરો - Cluster Fig - ભાગ ૧)